નવસારી પોલીસ સાડા ચાર લાખ કિલો ગૌમાંસ કબજે લેશે
Source: Matrix News | Last Updated 01:08(09/02/12)
ને.હા.નં. ૮ ઉપર બોરીયાચ ટોલનાકા ઉપરથી ગૌરક્ષકોની મદદથી ગ્રામ્ય પોલીસે ઝડપી પાડેલું સાડા ચાર લાખ કિલો ગૌમાંસનો નાશ કરવાનો નવસારી કોર્ટે હુકમ કરતા ગ્રામ્ય પોલીસ ગૌમાંસનો કબજો મેળવવા મુંબઈ રવાના થશે.
ને.હા. નં. ૮ ઉપરથી કન્ટેનરમાં ગૌમાંસ લઈ જવાતું હોવાની બાતમી નવસારીના ગૌરક્ષક અશિ્ર્વનભાઈ બારોટને મળતા જ તેમણે ગ્રામ્ય પોલીસને તેની જાણ કરી બોરીયાચ ટોલનાકા ખાતે વોચ ગોઠવી હતી. દરમિયાન એક પછી એક ૧૮ જેટલા કન્ટેનરને ગ્રામ્ય પોલીસે શંકાસ્પદ ગૌમાંસ હોવાને આધારે સીલ કર્યા હતા. સીલ કરેલા કન્ટેનર પોલીસ જાપ્તામાં મુંબઇ મોકલી ત્યાંથી ૫૪ જેટલા કથિત ગૌમાંસના એફએસએલ માટેના સેમ્પલ મેળવાયા હતા. મુંબઈ પોલીસે પણ તેમાંથી સેમ્પલો મેળવી ચકાસણી અર્થે મોકલ્યા હતા. નવસારી ગ્રામ્ય પોલીસે કન્ટેનરમાંથી મેળવાયેલા સેમ્પલ સુરત એફએસએલમાં મોકલતા હતા તેમાં ગૌમાંસ મશિ્રિત માંસ હોવાનો રિપોર્ટ આવ્યો હતો. ગ્રામ્ય પોલીસે કન્ટેનરના માલિકો, કન્ટેનર ડ્રાઈવર-કિલનર, બફેલોનું સિર્ટ. આપનારા વેટરનરી ડોકટર સહિત ૫૦થી વધુ શખ્સો સામે ફરિયાદ નોંધી હતી. ગ્રામ્ય પોલીસે આ ગૌમાંસ મશિ્રિત માંસનો કબજો મેળવી આગળની કાર્યવાહી માટે નવસારીની કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં નવસારીની કોર્ટે ગૌમાંસ નાશ કરવાની ગ્રામ્ય પોલીસને સૂચના આપતો હુકમ કર્યો હોવાની માહિતી સાંપડી છે. નવસારી ગ્રામ્ય પોલીસ મથકના પીએસઆઈ ડી.એન. ખાંટે જણાવ્યું હતું કે નવસારી કોર્ટે બોરીયાચ ટોલનાકા ખાતે ઝડપાયેલા ગૌમાંસનો નિકાલ કરવાનો હુકમ કર્યો છે. જોકે તે મુંબઈમાં હોવાથી ગ્રામ્ય પોલીસ પહેલા ગૌમાંસનો કબજે મેળવશે. ત્યારબાદ તેનો નાશ કરવાની કામગીરી કરશે. તેમણે વધુમાં જણાવ્યું હતુકે કોર્ટે હુકમ કર્યો છે પરંતુ હજુ સુધી તેની નકલ મળી નથી.
મુંબઈ પોલીસે લીધેલા માંસનો રિપોર્ટ બાકી
બોરીયાચ ટોલનાકા ઉપર પકડાયેલા ગૌમાંસ ભરેલા કન્ટેનરોનો ગ્રામ્ય પોલીસે કબજો લીધા બાદ તેને મુંબઈ સુધી ગ્રામ્ય પોલીસે જાપ્તા હેઠળ મોકલ્યા હતા. ગ્રામ્ય પોલીસ ઉપરાંત મુંબઈ પોલીસે પણ કન્ટેનરમાંથી માંસના સેમ્પલ મેળવ્યા હતા પરંતુ નવસારી પોલીસને સુરત એફએસએલનો રિપોર્ટ મળી ગયો હતો. જ્યારે મુંબઈ પોલીસે સ્થાનિક એફએસએલને મોકલેલા માંસનો રિપોર્ટ હજી સુધી આવ્યો નથી. જો મુંબઈ એફએસએલનો રિપોર્ટ બફેલોનું માંસનો આવશે તો હૈદરાબાદની એફએસએલમાં માંસ ચકાસણી અર્થે મોકલાશે. તેનો રિપોર્ટ નવસારી (ગુજરાત) તથા મુંબઈ પોલીસે માન્ય રાખવો પડશે ત્યારબાદ જ આગળની કાર્યવાહી થશે. પહેલા મુંબઈ પોલીસે ૧૮ કન્ટેનરમાંથી માંસના સેમ્પલ આપવાની ના પાડી હતી. બાદમાં સેમ્પલ આપ્યા હતા. આ કેસમાં કુલ ૫૦ થી વધુ વ્યક્તિ સામે ફરિયાદ થઈ છે. પોલીસે હજુ સુધી આ લોકોને પકડવા માટે કોઈ કાર્યવાહી કરી નથી. નજીકના દિવસોમાં આ ૫૦ વ્યક્તિઓ સામે કાર્યવાહી થાય તેવું લાગી રહ્યું છે. પોલીસને કોર્ટનો હુકમ મળતા કન્ટેનર કબજે લેવાની કાર્યવાહી હાથ ધરાશે.
ગુજરાત પોલીસ લાચાર
નવસારીના ગૌરક્ષક અશિ્ર્વનભાઈ બારોટે જણાવ્યું હતું કે કન્ટેનરને સીલ કરી ગૌમાંસની ગેરકાયદે હેરાફેરી થઈ રહી છે તે બોરીયાચ ટોલનાકાની ઘટના ઉપરથી પૂરવાર થઈ ગયું છે. જોકે આ કન્ટેનરને ચકાસણી કરવાની સત્તા ગુજરાત પોલીસ પાસે ન હોવાથી આવા કન્ટેનરોમાં અન્ય ગેરકાયદે પ્રવૃત્તિ થવાની પણ શકયતા નકારી શકાય તેમ નથી. જેથી પોલીસ લાચાર બની જાય છે.